ga('send', 'pageview');

Tag: ગુજરાતી

બુકાનીની અંદર સ્વજન નીકળે છે

બુકાનીની અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે ભજન નીકળે છે.

છુપાવી શકાતી નથી વાત અંદર,
બરફ છું છતાં પણ અગન નીકળે છે.

તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા?
પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે.

સતત આમ ભટકે કઈ ઝંખનામાં?
લઈ રૂપ મનનું પવન નીકળે છે.

હવે ચાલ મૂંગા રહી વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.

✍🏼 અશોકપુરી ગોસ્વામી

 

શામળાજી

યાદવોની દ્વારિકામાં શામળાજી,
શબદની આ સં હિતામાં શામળાજી.

કાનજીની વાંસળી છે ભાગશાળી ,
યમુનાનાં ઓરતાંમાં શામળાજી.

નીડ જાગે, પાંખ બોલે,પંખ ખોલી,
મોરલાના નાચવામાં શામળાજી.

દેવકીના દ્વાર પર તો યોગમાયા,
નં દજીના આંગણામાં શામળાજી.

રાધિકાની ઝાંઝરીમાં રોજ બોલે,
ભાવભીની સૂરતામાં શામળાજી.

હાંકવી છે કાલિંદીમાં આજ હોડી ,
‘કાંત ‘ના છે હલેસાંમાં શામળાજી.

✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘

 

રે સખી..

સરવર બનું કે, બનું માછલી ,
વાદળ બનું કે , બનું વાદળી.
રે સખી, મારા શ્વાસનો તું શ્વાસ .

હિજરાય મારા મનની અગાશી,
ઈચ્છાઓ સઘળી બારમાસી.
રે સખી,મારા ગીતનો તું પ્રાસ.

વાદળાં ને વીજ મુજને સંકોરે,
ચમકતી વીજળી રૂપને ચોરે.
રે સખી, આજની રાત છે ખાસ.

પનઘટના મોરલા કરે કેકારવ,
યાદ આવે મને ઓલો યાદવ.
રે સખી,રમી શકશું હવે શું રાસ?

યમુનાના નીર ,કદંબની ડાળી,
મથુરા ગયા મારા વનમાળી .
રે સખી, હૈયે પડયા છે ચાસ.
*
✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘

 

કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ

કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ
લાગે જિંદગીનો જામ બરાબર પિવાયો હશે.

અજમાવ્યો હશે કદી સિતાર પર હાથ
લાગે જિંદગીના સંગીતે બરાબર ગવાયો હશે.

ઓળખે છે જે મળે તે કેવા !
લાગે જિંદગીના ડાયરે રોજ હોંકારો છવાયો હશે.

ટૂંકું જીવતર ને આટલી લાંબી દોર
લાગે જિંદગીના આકાશે પતંગ બની છવાયો હશે.

દુકાળ દેખાય એક લીલોછમ અવસર
લાગે જિંદગીના ચોમાસે વાદળ બની વરસ્યો હશે.

સમુદ્ર મંથન વચ્ચે આજે પણ સ્થિર
લાગે જિંદગીના વિષે નીલકંઠ બની ટક્યો હશે.

સુખ દુઃખ…ધૂપ છાવ…વિરોધાભાષ વચ્ચે એક ભાવ બસ જીવી જવાનો,
લાગે જિંદગીની વસ્તુને “નીલ” સમજવા આ માણસ લખાયો હશે.

✍🏼 નિલેશ બગથરીયા “નીલ”

 

તને વરસતું ચોમાસુ થવું ગમશેને ?

કોરી ક્ષણોને ભીંજાવું છે
પૂછું તને વરસતું ચોમાસુ થવું ગમશેને ?

થાય ભલે ને છત્રી કાગડો
પૂછું તને વાઝડી બનવું ગમશેને?

ઉગવા મથે હૈયે કૂંપણો
પૂછું તને ભીનાશ બનવું ગમશેને ?

મનમાં ક્યાંક પડ્યા છે શબ્દો
પૂછું તને કવિતા બનવું ગમશેને?

ધસમસતી વહી જાય ક્ષણો
પૂછું તને આડસ બનવું ગમશેને?

જોઈ છે “નીલ” રાહ ટાણે ક ટાણે
પૂછું તને મિલનનું એક ટાણું બનવું ગમશેને??

✍🏼”નીલ”

 

કોઇ સંબંધો અકારા હોય છે

જળ દરિયાના ય ખારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે.

રોજ રાત્રે હું સહજ ચણ્યા કરું,
સ્વપ્નના ઊંચા મિનારા હોય છે.

ક્યાંક તો કરતાલ ઝીણી વાગતી,
ક્યાંક શિખરના ધખારા હોય છે.

હોય ઘટના સાવ જુદી દર વખત,
આંસુ કેવા એકધારા હોય છે.

દસ દિશાઓ હોય ડૂબેલી છતાં,
ક્ષિતિજે જઇ ઊગનારા હોય છે.

ને અચાનક શ્વાસ ફળિયું રુંધતો,
અંતના મોઘમ ઇશારા હોય છે.

શક્ય છે ઊભા ચણી દઉ એ બધા,
કોઇ સંબંધો અકારા હોય છે.

✍🏼ભાર્ગવી પંડ્યા

 

જિંદગીભર યાદ રહે

જિંદગીભર યાદ રહે એવી ક્ષણ મળે,
જેનો વિરહ હતો એ વહાલો જણ મળે,

પાણીથી તો બહુ તરસ છીપાવી જાણી,
હવે ઝાંઝવાના તરસ્યા મૃગને રણ મળે.

✍🏼 ડો. હિતેશ પટેલ ‘હિત’

 

લોક પાગલ ને અધીરા છે…

કયાંક નરસિં ક્યાંક મીરા છે,
ભીતરે તારી કબીરા છે.

તનનું પીંજર તુટે તો સમજાય,
જાત તારી સાવ લીરા છે.

ભાગ્યરેખા માનતો હું જે,
હાથમાં બે-ચાર ચીરા છે.

આંખે તારી પ્રિતનું કાજલ,
સ્મિતની હોઠે મદીરા છે.

લઈ શું જાશો ને શું લાવ્યા’તા ?
જીવ તો ફકકડ, ફકીરા છે.

હોવું ઈશ્વરનુ એ શુ સમજે,
લોક પાગલ ને અધીરા છે.

✍🏼 શૈલેષ પંડ્યા

 

ને પછી છાને ખુણે રોયા કરે છે

બાપ રોજે વાદળો જોયા કરે છે,
ને પછી છાને ખુણે રોયા કરે છે.

સાવ કોરા ચાસ જિવતરના ખેડીને
જાત આખી લોહિથી ધોયા કરે છે.

સુર્ય સામે રોજ લડતાં થાકી જાતા
તેજ આંખોનું હવે ખોયા કરે છે.

આભનો વિશ્વાસ કાયમ રાખીને એ
આંચળો ઈચ્છા તણા દોયા કરે છે.

દીકરીના હાથ પીળા થાય માટે
આંસુ ભેળુ સપનું બોયા કરે છે.

✍🏼 શૈલેષ પંડ્યા