ga('send', 'pageview');

Tag: ગુજરાતી કવિતા

બુકાનીની અંદર સ્વજન નીકળે છે

બુકાનીની અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે ભજન નીકળે છે.

છુપાવી શકાતી નથી વાત અંદર,
બરફ છું છતાં પણ અગન નીકળે છે.

તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા?
પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે.

સતત આમ ભટકે કઈ ઝંખનામાં?
લઈ રૂપ મનનું પવન નીકળે છે.

હવે ચાલ મૂંગા રહી વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.

✍🏼 અશોકપુરી ગોસ્વામી

 

મારુ ચોમાસું ઊગ્યું છે મારી આંખમાં

મારુ ચોમાસું ઊગ્યું છે મારી આંખમાં
ગુલાબી ગાલની ટશરો ફૂટી છે વ્હાલમાં..

ફૂલોને કહી દો ઝાકળની છાલક ના મારો,
સોળે શણગાર સજયો હવે તારી યાદમાં…

પ્રિયે આમ મધુવનમાં હાકલ ના મારો મને
મૃગજળ લઈને બેઠી છું વેદનાના બાગમાં…

સાજન બુંદબુંદ ના વરસ તરસે છે નયન
પલળવા થનગને છે યૌવન તારી સાથમાં…

મારી દીવાનગી પણ મશહૂર.થઈ જવાની
હવે અશ્રુની પણ મહેફિલ સજી હાલમાં

હ્દયનને લાગણીઓની હુંફથી રંગયું હતું
શાયરોની મહેફિલમાં બેઠી તારા જ માનમાં

✍🏼 યશવી

 

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો
હેત છલોછલ કહેતો દરિયો

ખુબ ધીમેથી પથરાતો પણ
નાજુક નમણો રે ‘તો દરિયો

વનરાવનનાં મારગ જેવો
ફુલડાં થી ફોરમતો દરિયો

ટહુકે ટહુકે પથરાતો ને
ગીત મધુરું ગાતો દરિયો

બિંદુમાંથી તેજ – લિસોટો
ભીતરમાં થઈ જાતો દરિયો

✍🏼 હર્ષિદા દીપક

 

‘હાઈ ટેક ‘ઘરમાં ..

ગાલગાગા ×4

એક -બે પત્થર થઇ બદલાય ‘હાઈ ટેક ‘ઘરમાં ,
દોસ્ત , સંજોગો અહીં લજવાય ‘હાઈટેક ‘ ઘરમાં.

હાસ્ય ભાડે લઇ ભરે હપ્તા , ઉદાસીના સહારે ,
ફાયદો શું ?લાગણી અટવાય ‘હાઈટેક ‘ઘરમાં..

સત્યની લઇ ઈંટ ને , શ્રધ્ધા ચણી લો જિંદગીમાં ,
સમતુલા સંબંધની સમજાય ‘હાઈટેક ‘ઘરમાં..

ઘર હજી ખાલી જ છે એકાંતના આ ઓરડામાં ,
ભીંત -ફળિયું -ઓસરી પડઘાય ‘હાઈટેક ‘ઘરમાં..

ઉંબરાને છે અપેક્ષા નીકળે નિરપેક્ષ મન લઇ ,
ત્યાં સ્વજન સામે મળી હરખાય ‘હાઈટેક ‘ ઘરમાં..

ઘર હવે દેવળ બનાવું મ્હેકતો અવસર ગણીને ,
બે ટકોરા ‘હાશ’ના ખટકાય , ‘હાઈટેક ‘ઘરમાં..

✍🏼 “રક્ષા”

 

માનવ નામે છળ સરનામું!

માનવ નામે છળ સરનામું!
અણધારી અટકળ સરનામું!

સાવે અંધારે રે’વું ના,
હોય ખરું પોકળ સરનામું!

બે’ક કરી લો કર્મો સારાં
એ જ ખરું પ્રબળ સરનામું!

શાંતા આપે મનને જીવણ,
મંદીર છે, મંગળ સરનામું!

થાકી, હારી પાછાં વળશે,
શ્વાસો આ કોમળ સરનામું!

હેમા ઠક્કર “મસ્ત “✍🏼

 

કરો કંકુના….

ફરી આવી લાગણીઓની વાછટ કરો કંકુના
મનમાં ખીલી ઉર્મિઓની આહટ કરો કંકુના….

હસ્તરેખા સોનામાં મઢાવી હવે માની જા
કિસ્મત સાથ આપી કરશે તલસાટ કરો કંકુના…

સપ્તરંગી સપનાંઓમાં મહાલું હવે જોઈ લે
આભ ચાંદનીમાં નાહી કરશે મલકાટ કરો કંકુના..

લો ફરી વાદળોમાં જળ ભરવા દોટ મૂકી છે,
તસ્વીરમાં યાદોની પીંછી કરશે વસવાટ કરો કંકુના…

લે તર્પણ હ્રદય સમું પત્થરમાં લીલીછમ વ્યથા
આંસુમાં હવે વેદના ચળકાટ કરે છે કરો કંકુના…

✍🏼 રૂપાલી “યશવી”

 

ભીઁતને કાન છે ન વાચા છે

આ નગરના મકાન કાચાં છે;
ભીઁતને કાન છે ન વાચા છે;

ચાલ,બીજે કશે જઇ વસીએ,
સાવ ટહુકા અહીં ય ટાંચાં છે.

હાથ જોડું છતાં ય ઈશ્વરને,
હાથ વચ્ચે અહંના ખાંચા છે.

ખુબ રણકે સંબંધના સિક્કા,
એમ લાગે બધા ય સાચા છે!

વેષ છે અવનવાં ફકત એના,
એક સરખા મરણના ઢાંચા છે.

-હર્ષા દવે.