ga('send', 'pageview');

Tag: ગઝલ

બુકાનીની અંદર સ્વજન નીકળે છે

બુકાનીની અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે ભજન નીકળે છે.

છુપાવી શકાતી નથી વાત અંદર,
બરફ છું છતાં પણ અગન નીકળે છે.

તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા?
પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે.

સતત આમ ભટકે કઈ ઝંખનામાં?
લઈ રૂપ મનનું પવન નીકળે છે.

હવે ચાલ મૂંગા રહી વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.

✍🏼 અશોકપુરી ગોસ્વામી

 

કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ

કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ
લાગે જિંદગીનો જામ બરાબર પિવાયો હશે.

અજમાવ્યો હશે કદી સિતાર પર હાથ
લાગે જિંદગીના સંગીતે બરાબર ગવાયો હશે.

ઓળખે છે જે મળે તે કેવા !
લાગે જિંદગીના ડાયરે રોજ હોંકારો છવાયો હશે.

ટૂંકું જીવતર ને આટલી લાંબી દોર
લાગે જિંદગીના આકાશે પતંગ બની છવાયો હશે.

દુકાળ દેખાય એક લીલોછમ અવસર
લાગે જિંદગીના ચોમાસે વાદળ બની વરસ્યો હશે.

સમુદ્ર મંથન વચ્ચે આજે પણ સ્થિર
લાગે જિંદગીના વિષે નીલકંઠ બની ટક્યો હશે.

સુખ દુઃખ…ધૂપ છાવ…વિરોધાભાષ વચ્ચે એક ભાવ બસ જીવી જવાનો,
લાગે જિંદગીની વસ્તુને “નીલ” સમજવા આ માણસ લખાયો હશે.

✍🏼 નિલેશ બગથરીયા “નીલ”

 

કોઇ સંબંધો અકારા હોય છે

જળ દરિયાના ય ખારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે.

રોજ રાત્રે હું સહજ ચણ્યા કરું,
સ્વપ્નના ઊંચા મિનારા હોય છે.

ક્યાંક તો કરતાલ ઝીણી વાગતી,
ક્યાંક શિખરના ધખારા હોય છે.

હોય ઘટના સાવ જુદી દર વખત,
આંસુ કેવા એકધારા હોય છે.

દસ દિશાઓ હોય ડૂબેલી છતાં,
ક્ષિતિજે જઇ ઊગનારા હોય છે.

ને અચાનક શ્વાસ ફળિયું રુંધતો,
અંતના મોઘમ ઇશારા હોય છે.

શક્ય છે ઊભા ચણી દઉ એ બધા,
કોઇ સંબંધો અકારા હોય છે.

✍🏼ભાર્ગવી પંડ્યા

 

લોક પાગલ ને અધીરા છે…

કયાંક નરસિં ક્યાંક મીરા છે,
ભીતરે તારી કબીરા છે.

તનનું પીંજર તુટે તો સમજાય,
જાત તારી સાવ લીરા છે.

ભાગ્યરેખા માનતો હું જે,
હાથમાં બે-ચાર ચીરા છે.

આંખે તારી પ્રિતનું કાજલ,
સ્મિતની હોઠે મદીરા છે.

લઈ શું જાશો ને શું લાવ્યા’તા ?
જીવ તો ફકકડ, ફકીરા છે.

હોવું ઈશ્વરનુ એ શુ સમજે,
લોક પાગલ ને અધીરા છે.

✍🏼 શૈલેષ પંડ્યા

 

ને પછી છાને ખુણે રોયા કરે છે

બાપ રોજે વાદળો જોયા કરે છે,
ને પછી છાને ખુણે રોયા કરે છે.

સાવ કોરા ચાસ જિવતરના ખેડીને
જાત આખી લોહિથી ધોયા કરે છે.

સુર્ય સામે રોજ લડતાં થાકી જાતા
તેજ આંખોનું હવે ખોયા કરે છે.

આભનો વિશ્વાસ કાયમ રાખીને એ
આંચળો ઈચ્છા તણા દોયા કરે છે.

દીકરીના હાથ પીળા થાય માટે
આંસુ ભેળુ સપનું બોયા કરે છે.

✍🏼 શૈલેષ પંડ્યા

 

ખાલી નથી , ભરપૂર છું ,ચિક્કાર છું

ખાલી નથી , ભરપૂર છું ,ચિક્કાર છું ,
મીઠી મધુરી ,સોડમ ભરી તકરાર છું .

સૂતો સળવળું ,વિસ્તરું જાગું ત્યારે,
કાંઠે છલકું ને ,સાતે સમંદર પાર છું.

બ્હારથી દેખાઉં ,એવો ને એવો અંદર,
પારદર્શક, ચોખ્ખો ને આરપાર છું.

ઝીલી શકું છું ભાર, આ આંસુઓનો,
આ ખભો નહીં, વેદનાનો આધાર છું.

ચાંદની ગમી , ચાંદને ચૂમી આવ્યો,
પાનખરમાંયે હું , મસ્ત બહાર છું.

જીવી રહ્યો છું મોજથી આ ઘડપણને,
પાંસઠ વર્ષે પણ, વર્ષ અગિયાર છું.

✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’

 

માનવ નામે છળ સરનામું!

માનવ નામે છળ સરનામું!
અણધારી અટકળ સરનામું!

સાવે અંધારે રે’વું ના,
હોય ખરું પોકળ સરનામું!

બે’ક કરી લો કર્મો સારાં
એ જ ખરું પ્રબળ સરનામું!

શાંતા આપે મનને જીવણ,
મંદીર છે, મંગળ સરનામું!

થાકી, હારી પાછાં વળશે,
શ્વાસો આ કોમળ સરનામું!

હેમા ઠક્કર “મસ્ત “✍🏼

 

અશ્વ દોડે છે સતતને શુ કરું?

અશ્વ દોડે છે સતતને શુ કરું?
છે પરાજિત આ વખત,ને શુ કરું?

બંધ બાજીની રમતને શું કરું?
ભીતરે ચાલે લડતને શું કરું ?

પાનખરમાં વૃક્ષ માંગે છે પવન
છે બધી વયની મમત,ને શું કરું?

લાગણીનો પ્હાડ કો’દી પીગળે,
એ નદી વળતી પરતને શું કરું?

હાથનાં લીટા નથી એ માત્ર,પણ
આ વિધાતાની લગતને શું કરું ?

વેદનાની ભડભડે છે આ અગન,
સળવળે કોઈ શરતને શું કરું ?

હસ્તરેખા માપવી તો ક્યાં સુધી ?
શ્વાસની જયાં હો અછતને શું કરું?

✍🏼 પૂર્ણિમા ભટ્ટ. ‘તૃષા’

 

સઘળી ઇચ્છાઓને..

સઘળી ઇચ્છાઓને ખૂબ જ સિફતપૂર્વક ટાળી છે ,
સપનાઓની નાત અમે તો ભડભડ ભડકે બાળી છે.

વાટ જુએ છે એ કુંપળની ,એને જઈ સમજાવે કોણ ?
સઘળાં રસ-કસ સૂકાયા છે ,એ તો સૂક્કી ડાળી છે.

એનાં માટે મથવું સાવે નક્કામું છે , છોડી દે ,
એ ના થાશે ઉજળો, એનાં મનની ભીંતો કાળી છે

એ ખેંચાતી જાય અવિરત ; આશય બસ એને મળવું
ધસમસતી નદીઓ સાગર કાંઠેથી પાછી વાળી છે

રાત -દિવસનો નાતો છે એ છોડી અમને જાશે ના ,
પીડાઓને પંપાળીને એવી રીતે પાળી છે !

✍🏼  શબનમ

 

હકથી ઝાઝું કૈં આપો નહિ

હકથી ઝાઝું કૈં આપો નહિ,
કરવતથી હૈયું કાપો નહિ.

છે પ્રેમ અમૂલખ તો મારો,
હો જો શ્રદ્ધા તો માપો નહિ.

આવે દેવી પ્રસન્ન થઈને,
તો ભૂવા ભૂવા સ્થાપો નહિ.

ધ્રુજાવે ઠંડી મસ્તીથી,.
ઉગતાં સૂર્યને તાપો નહિ

મનથી માણો એ ખુશ્બૂને
ફૂલોના રંગો છાપો નહિ .

✍🏼 કવિ જલરૂપ