ga('send', 'pageview');

It's Your Poem Platform - Click to Join as Poet !!

Platform By Chirag Bhatt and Vision Raval

પામવાને કંઈક મેં હપ્તા ભર્યા છે

 

પામવાને કંઈક મેં હપ્તા ભર્યા છે
જિંદગીના કટકે-કટકા મેં કર્યા છે

સાવ નાની વાતમાં અટવાય છે ને
એ કહે છે એમણે સાગર તર્યા છે

સાચ પર કંઈ આંચ પણ આવી શકે ના
એ ઝનૂન ઉતરી ગયું દોષી ઠર્યા છે

તોય તરછોડી ગયા તેઓ કે જેનાં
કાંઠલો વેચી-વેચી દામન ભર્યા છે

અંત આખર દુશ્મનીનો થઈ ગયો ને
પ્રેમથી પેશ આવી સૌનાં મન હર્યા છે

ઉદય શાહ

(છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

ઘૂંટ્યા કરું છું જાત …

 

ઘૂંટ્યા કરું છું જાત ને ,હું એકડે એક છું ,
વાંચી શકે તો વાંચ,ન છપાયેલો લેખ છું.

કલમ પકડાવી દીધી, મેં મારા હાથને,
કવિતાનો ભગવો પહેરેલો હું ભેખ છું.

ખોલાવ મા તું ભેદ સઘળા, મારી કને,
ખુદને ઉલેચી શકું, નિયતનો હું નેક છું.

જીવતરના પાટ પર, બાજી ખેલ્યા કરું,
સામે ઊભેલા પારની ,પાતળી હું રેખ છું.

ઝુરાપો જીરવીને, આકાશને ઉકેલું હું,
લોઢાની થાળીમાં હું,સોનાની મેખ છું.

-કૃષ્ણકાંત ભાટિયા ‘#કાન્ત’

હવે…

 

ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બીછાને હવે ?
વારતા એકેય આવડતી નથી બાને હવે.

એ પ્રભાતી બાળપણ, યૌવનની તપતી એ પળો,
યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે.

સૂર્યનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ,
ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે.

ક્યાં હવામાં શિલ્પ કંડાર્યાનું તેં એને કહ્યું !
સ્હેજ પણ ધરતી ઉપર ગમતું ન પીંછાને હવે.

ચીસ મારી સાંભળીને પ્હાડ પણ ધ્રૂજી ઊઠ્યા,
કેમ પડઘાવું, નથી સમજાતું પડઘાને હવે.

અનિલ ચાવડા

બીજું શું? – ખલિલ ધનતેજવી

 

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?

પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું?

~ ખલિલ ધનતેજવી

પન્ના નાયક

 

અમારા વૈષ્ણવ કુટુંબમાં થતી
ઠાકોરજીની માળા
અને બાએ આપેલી
જડતરના ફૂલવાળી મોતીની માળાની વચ્ચે
ક્યારેક ભેળસેળ થઈ જાય છે.

મારો નિત્યક્રમ હતો
સવારે ઊઠીને
બા બાપાજીને પગે લાગી,
ન્હાઈ ધોઈ
ઘરને ફરતા બગીચામાંથી
મોગરા જૂઈ પારિજાત વીણી
ઠાકોરજી માટે
માળા પરોવવાનો.
વચ્ચે પારિજાતની કેસરી દાંડી
ને આજુબાજુ મોગરાનાં ફૂલ.

પછી બા ઠાકોરજીને માળા ધરાવી ઊઠતાં ત્યારે
મારો વાંસો થાબડતાં કહેતાં હોય છેઃ
“સુખી થાજે, બેટા.”

બાને શ્રીજીચરણ થયે
ચાર દાયકા વીતી ગયા.

આજે જડતરના ફૂલવાળી મોતીની માળા
પહેરતાં પહેલાં
અમેરિકા આવી
ત્યારે બાએ આપેલી
ચાંદીની ફ્રેમમાં મઢેલી
શ્રીનાથજીની છબિને
જોતી હોઉં છું ત્યારે
મને પ્રશ્ન થાય છે:
“હું સુખી થઈ?”

આમ,તો..

 

આમ,તો ખૂબ સીધી ને સરળ છે.એ,
એ નદી,એ ઝરણ જેવી અચળ છે.એ,

ખીલશે એ ગમે ત્યારે,તુ જો ખાલી.
ખાસ,કાદવ મહીં ઉગતું કમળ છે.એ,

સાવ બીકણ અને ભોળા નયન એના.
ને નજર માં પડો જો,તો વમળ છે.એ,

ભૂલ થી,હાથ જો અડકી ગયો એનો.
તો,પછી લાગશે જાણે,સકળ છે.એ,

હા,નથી કે નથી ના પણ હજી કીધી.
એ હસે તો છે,પણ લાગે અકળ છે.એ,
વિપુલ બોરીસા

હાઈકુ

 

શગ સંકોરી
અંધારું ચારેબાજુ..
ઉજાસ પછી

વખનાં પ્યાલા
ગળેથી ઉતાર્યા ‘ને
મીરાંજી જીવ્યા

દરિયા કાંઠે
ક્ષિતિજને આંબતી
કિનારે ડૂબી

જીવન-મૃત્યુ
જીવી ગયા મરીને
મરીને જીવ્યા
જાત જલાવી
ચિરાગે,અને અંતે
શગ સંકોરી

નાઝ જી

मिलेगा कहाँ से नशेमन सुहाना

 

ग़ज़ल

लगागा,लगागा,लगागा,लगागा

न कोई सहारा न कोई ठिकाना,
मिलेगा कहाँ से नशेमन सुहाना।

असीरों तलक जो, परिंदे उड़े हैं ,
उन्हें तो अभी है, जमीं पे बुलाना।

किया है बसेरा , सबा में सदा में ,
लगा था सताने , ज़माना सयाना।

नशा तो चढ़ा है, हमारी रज़ा से,
पड़ेगा हमें भी , खुदी को पिलाना।

कहे जा रहे हैं , बज़म में फ़साने,
अजीजां सुनाओ, नया ही तराना।

हमीं ने कहा था, मिटा दो किनारे,
कभी भी मिलेगा,गनीमत पुराना।
*
-कृष्णकांत भाटिया ‘कान्त ‘

ભીઁતને કાન છે ન વાચા છે

 

આ નગરના મકાન કાચાં છે;
ભીઁતને કાન છે ન વાચા છે;

ચાલ,બીજે કશે જઇ વસીએ,
સાવ ટહુકા અહીં ય ટાંચાં છે.

હાથ જોડું છતાં ય ઈશ્વરને,
હાથ વચ્ચે અહંના ખાંચા છે.

ખુબ રણકે સંબંધના સિક્કા,
એમ લાગે બધા ય સાચા છે!

વેષ છે અવનવાં ફકત એના,
એક સરખા મરણના ઢાંચા છે.

-હર્ષા દવે.

Thank you for visiting Kavijagat.com

Please provide your Feedback on Namaste@Kavijagat.com