ga('send', 'pageview');

It's Your Poem Platform - Click to Join as Poet !!

Platform By Chirag Bhatt and Vision Raval

કોઇ સંબંધો અકારા હોય છે

 

જળ દરિયાના ય ખારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે.

રોજ રાત્રે હું સહજ ચણ્યા કરું,
સ્વપ્નના ઊંચા મિનારા હોય છે.

ક્યાંક તો કરતાલ ઝીણી વાગતી,
ક્યાંક શિખરના ધખારા હોય છે.

હોય ઘટના સાવ જુદી દર વખત,
આંસુ કેવા એકધારા હોય છે.

દસ દિશાઓ હોય ડૂબેલી છતાં,
ક્ષિતિજે જઇ ઊગનારા હોય છે.

ને અચાનક શ્વાસ ફળિયું રુંધતો,
અંતના મોઘમ ઇશારા હોય છે.

શક્ય છે ઊભા ચણી દઉ એ બધા,
કોઇ સંબંધો અકારા હોય છે.

✍🏼ભાર્ગવી પંડ્યા

જિંદગીભર યાદ રહે

 

જિંદગીભર યાદ રહે એવી ક્ષણ મળે,
જેનો વિરહ હતો એ વહાલો જણ મળે,

પાણીથી તો બહુ તરસ છીપાવી જાણી,
હવે ઝાંઝવાના તરસ્યા મૃગને રણ મળે.

✍🏼 ડો. હિતેશ પટેલ ‘હિત’

લોક પાગલ ને અધીરા છે…

 

કયાંક નરસિં ક્યાંક મીરા છે,
ભીતરે તારી કબીરા છે.

તનનું પીંજર તુટે તો સમજાય,
જાત તારી સાવ લીરા છે.

ભાગ્યરેખા માનતો હું જે,
હાથમાં બે-ચાર ચીરા છે.

આંખે તારી પ્રિતનું કાજલ,
સ્મિતની હોઠે મદીરા છે.

લઈ શું જાશો ને શું લાવ્યા’તા ?
જીવ તો ફકકડ, ફકીરા છે.

હોવું ઈશ્વરનુ એ શુ સમજે,
લોક પાગલ ને અધીરા છે.

✍🏼 શૈલેષ પંડ્યા

ને પછી છાને ખુણે રોયા કરે છે

 

બાપ રોજે વાદળો જોયા કરે છે,
ને પછી છાને ખુણે રોયા કરે છે.

સાવ કોરા ચાસ જિવતરના ખેડીને
જાત આખી લોહિથી ધોયા કરે છે.

સુર્ય સામે રોજ લડતાં થાકી જાતા
તેજ આંખોનું હવે ખોયા કરે છે.

આભનો વિશ્વાસ કાયમ રાખીને એ
આંચળો ઈચ્છા તણા દોયા કરે છે.

દીકરીના હાથ પીળા થાય માટે
આંસુ ભેળુ સપનું બોયા કરે છે.

✍🏼 શૈલેષ પંડ્યા

મારુ ચોમાસું ઊગ્યું છે મારી આંખમાં

 

મારુ ચોમાસું ઊગ્યું છે મારી આંખમાં
ગુલાબી ગાલની ટશરો ફૂટી છે વ્હાલમાં..

ફૂલોને કહી દો ઝાકળની છાલક ના મારો,
સોળે શણગાર સજયો હવે તારી યાદમાં…

પ્રિયે આમ મધુવનમાં હાકલ ના મારો મને
મૃગજળ લઈને બેઠી છું વેદનાના બાગમાં…

સાજન બુંદબુંદ ના વરસ તરસે છે નયન
પલળવા થનગને છે યૌવન તારી સાથમાં…

મારી દીવાનગી પણ મશહૂર.થઈ જવાની
હવે અશ્રુની પણ મહેફિલ સજી હાલમાં

હ્દયનને લાગણીઓની હુંફથી રંગયું હતું
શાયરોની મહેફિલમાં બેઠી તારા જ માનમાં

✍🏼 યશવી

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો

 

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો
હેત છલોછલ કહેતો દરિયો

ખુબ ધીમેથી પથરાતો પણ
નાજુક નમણો રે ‘તો દરિયો

વનરાવનનાં મારગ જેવો
ફુલડાં થી ફોરમતો દરિયો

ટહુકે ટહુકે પથરાતો ને
ગીત મધુરું ગાતો દરિયો

બિંદુમાંથી તેજ – લિસોટો
ભીતરમાં થઈ જાતો દરિયો

✍🏼 હર્ષિદા દીપક

ખાલી નથી , ભરપૂર છું ,ચિક્કાર છું

 

ખાલી નથી , ભરપૂર છું ,ચિક્કાર છું ,
મીઠી મધુરી ,સોડમ ભરી તકરાર છું .

સૂતો સળવળું ,વિસ્તરું જાગું ત્યારે,
કાંઠે છલકું ને ,સાતે સમંદર પાર છું.

બ્હારથી દેખાઉં ,એવો ને એવો અંદર,
પારદર્શક, ચોખ્ખો ને આરપાર છું.

ઝીલી શકું છું ભાર, આ આંસુઓનો,
આ ખભો નહીં, વેદનાનો આધાર છું.

ચાંદની ગમી , ચાંદને ચૂમી આવ્યો,
પાનખરમાંયે હું , મસ્ત બહાર છું.

જીવી રહ્યો છું મોજથી આ ઘડપણને,
પાંસઠ વર્ષે પણ, વર્ષ અગિયાર છું.

✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’

‘હાઈ ટેક ‘ઘરમાં ..

 

ગાલગાગા ×4

એક -બે પત્થર થઇ બદલાય ‘હાઈ ટેક ‘ઘરમાં ,
દોસ્ત , સંજોગો અહીં લજવાય ‘હાઈટેક ‘ ઘરમાં.

હાસ્ય ભાડે લઇ ભરે હપ્તા , ઉદાસીના સહારે ,
ફાયદો શું ?લાગણી અટવાય ‘હાઈટેક ‘ઘરમાં..

સત્યની લઇ ઈંટ ને , શ્રધ્ધા ચણી લો જિંદગીમાં ,
સમતુલા સંબંધની સમજાય ‘હાઈટેક ‘ઘરમાં..

ઘર હજી ખાલી જ છે એકાંતના આ ઓરડામાં ,
ભીંત -ફળિયું -ઓસરી પડઘાય ‘હાઈટેક ‘ઘરમાં..

ઉંબરાને છે અપેક્ષા નીકળે નિરપેક્ષ મન લઇ ,
ત્યાં સ્વજન સામે મળી હરખાય ‘હાઈટેક ‘ ઘરમાં..

ઘર હવે દેવળ બનાવું મ્હેકતો અવસર ગણીને ,
બે ટકોરા ‘હાશ’ના ખટકાય , ‘હાઈટેક ‘ઘરમાં..

✍🏼 “રક્ષા”

Thank you for visiting Kavijagat.com

Please provide your Feedback on Namaste@Kavijagat.com