ga('send', 'pageview');

Category: બ્લોગ

ગદ્ય અને પદ્યમાં મૂળભૂત તફાવત

સૃષ્ટિના નિર્માણ પછી સૌપ્રથમ સૂરની ઉત્પત્તિ થઈ હશે અને સૂરમાં લય ભળવાથી તાલની ઉત્પત્તિ થઈ હશે. આપણે જોઈ શકીએ છે કે ઘણાં પશુ-પક્ષીઓ જુદા-જુદા પ્રકારના અવાજો કાઢતાં હોય છે અને એ સાથે નૃત્ય પણ કરતાં હોય છે. આ ક્રિયાઓમાં સૂર અને તાલનો જ સમન્વય હોય છે. પરંતુ પશુ-પક્ષીઓમાં ભાષાનો વિકાસ થયો નથી. સમગ્ર સૃષ્ટિનાં સર્જનમાં ફક્ત માનવ જાતિમાં જ ભાષાનો વિકાસ થયો છે. કાળક્રમે ભાષામાંથી ગદ્યનું નિર્માણ થયું હશે અને તેમાં લય ભળવાથી પદ્યનું નિર્માણ થયું હશે. આમ લયને જ પદ્યના નિર્માણનું મૂળભૂત કારણ ગણી શકાય તથા લયને જ ગદ્ય અને પદ્યના તફાવતનું પણ મૂળભૂત કારણ ગણી શકાય.

શાસ્ત્રોના નિર્માણ પહેલાંના સર્જનોનું અવલોકન કરીને અને એનાં આધારે નિયમો તારવીને શાસ્ત્રોનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ એ શાસ્ત્રોક્ત નિયમોને આધારે સર્જન પ્રક્રિયા આગળ વધતી જાય છે. સમયાંતરે સર્જનની સાથે-સાથે શાસ્ત્રનું સ્તર પણ ઊંચું જ જવું જોઈએ.

ગદ્ય અને પદ્યમાં મૂળભૂત તફાવત લયબદ્ધતાનો છે. લય માટે છંદ પણ જરૂરી બને છે. ગઝલ અતિપ્રચલિત હોવાનું એક મુખ્ય કારણ એની લયબદ્ધતા (પ્રવાહિતા) પણ છે. ગઝલમાં ભાવ અને અસરકારક રજૂઆત પણ એટલાં જ મહત્વનાં છે. ફક્ત રદીફ-કાફિયા જાળવવાથી ભાવપૂર્ણ અછાંદસ રચના ગઝલ બની જતી નથી તથા ભાવ વગરનાં ભાષા-વૈભવયુક્ત છંદોબદ્ધ જોડકણાં પણ ગઝલ બની જતાં નથી. ધ્યાન રહે કે ફક્ત ભાષા-વૈભવથી ભાવોત્પત્તિ કરી શકાતી નથી. મારા દ્રષ્ટિકોણ મુજબ ભાવપૂર્ણ અસરકારક રજૂઆત અને છંદ એ બંને કવિતાના અતિ મહત્વના અવિભાજ્ય અંગ છે.